વંશને સમજાયું કે પપ્પા સાચા હતા જયારે તેને કુમાર પર કડક થવું પડ્યું. કુમારને પણ સમજાશે કે પપ્પા (વંશ) સાચા હતા જયારે તેને તેના દીકરા પર કડક થવું પડશે!
“અલ્યા જીવલા, ઓજ હોન્જે વોડીમાં ઈંડોની પોર્ટી સ… ટેમ નીકોળી પોંચી જજ.” “પણ, પૈસા ચ્યોંથી આયા?” “ગોમનો દિયોર મનીયો કૈક ઈંગ્લીશ નોમથી ભંડોળ લઇ આયો સ!” “ચ્યો નોમથી?” “કૈક… હોવ, ‘આનીમલ વાલ્ફાર (animal welfare) નો નોમથી”
ચંદુભાઈને કૂતરાથી સખત નફરત કોઈપણ કૂતરાને જોવે કે હાથમાં રહેલી લાકડી છુટ્ટી ફેંકે. વળી, તેમનું નિશાન અચૂક! કૂતરાના પગ પર જ વાગે અને કૂતરું લંગડું થઇ જ જાય! આજ સુધીમાં તેમણે ઓછામાં ઓછા વીસેક કૂતરાના પગ તો ભાંગ્યા જ હશે! પંચાવન વર્ષના ચંદુભાઈનો અકસ્માત થયો અને તેમના બંને પગ કપાઈ ગયા… કદાચ, ભગવાનને પણ ચંદુભાઈની જેમ.
આજે શાકની લારી પર ઉભેલી, શાક વેચતી દેવીપૂજક મહિલાને ગાળોની રમઝટ બોલાવતી જોઈ, મને વિશ્વાસ બેસી ગયો કે પુરુષ જે કામ કરી શકે એ તમામ કામ, સ્ત્રીઓ, પુરુષો કરતા અનેક ગણી કુશળતાથી કરી જ શકે!
વિકાસના રાજ્યમાં બે જ પક્ષનો ગજ વાગતો. એક પક્ષ સરકાર બનાવતો અને બીજો વિપક્ષમાં બેસતો. હા, ત્રણ વર્ષ પહેલા સરકારની નીતિનો વિરોધ કરવા વિપક્ષ ધરણા પર બેઠું હતું. આગલા મહિને વિપક્ષ એ જ મુદ્દે ધરણા પર બેસવાનું છે. છ મહિના પહેલા યોજાયેલી ચૂંટણીથી સરકાર બદલાઈ છે, નીતિ નહીં.
આજે હું ગાડી લઈને નીકળ્યો અને થોડા દૂરથી જ રીંગરોડના ઓઢવ સર્કલ પર ટ્રાફિક જામ દેખાયો. મેં ઝડપથી ગાડી પાછી વાળી અને લાંબા પણ બીજા રસ્તે ગાડી હંકારી ગયો. સાંજે મારા મિત્ર સાથે વાત થઇ ત્યારે તેણે કહ્યું, “યાર આજે તો હું ઓઢવ સર્કલે દોઢ કલાક સુધી ફસાઈ રહ્યો હતો!”
ત્યારે મને લાઈટ થઇ કે “જીવનમાં અટક્યા વગર આગળ વધતા રહેવું હોય તો ક્યારેક પીછેહટ કરી લાંબા રસ્તે પણ ચાલવું જોઈએ!
ગઈકાલે હું બહાર નીકળ્યો તો અમારું શેરી કૂતરું ઘરની ઓશરીમાં પગલૂછણીયાંનું આસનીયું બનાવીને સૂતું હતું. હું ઓશરીનો દરવાજો ખોલી બહાર નીકળ્યો તો મમ્મીએ ફેંકેલ એઠવાડને આરોગવા બે ગાયો એકબીજા સામે શિંગડા ભરાવતી હતી! અત્યારે એક પુસ્તક વાંચી રહ્યો છું. તેમાં લખ્યું છે, “તમને અધુરી લાગતી સુવિધાઓ કોઈ અન્યના જીવનનો ધ્યેય હોઈ શકે છે!”
સવારે ઉઠતાવેંત છાપું હાથમાં લીધું, પહેલા પાને લખ્યું હતું “ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને!” મેં પાનું ફેરવ્યું, “એલ.પી.જી. સીલીન્ડર પર મળતી સબસીડી બંધ કરવામાં આવશે!” ત્રીજા પાને લખ્યું હતું, “ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ ઘટાડો નહીં!” ચોથા પાને : “દૂધના ભાવમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો ઝીંકાયો!” મેં અખબાર બંધ કર્યું. વડાપ્રધાને વિદેશમાં આપેલ ભાષણની ઝલક છેલ્લા પાને છપાઈ હતી. તેમણે કહ્યું હતું, “અમારી સરકાર ગરીબોની સરકાર છે.”
દરરોજ કીડીયારું ભરતા, પક્ષીઓને ચણ નાખતા, ગાયોને ઘાસ ખવડાવતા પરીક્ષિત સિંહા ખૂબ પ્રાણી પ્રેમી છે. તેમના ઘરના છજ્જા પર, ઓફિસમાં શટરની ઉપરની જગ્યામાં કે એવા ખૂણે-ખાંચરે કબૂતરના માળા હોય જ… તેઓ ક્યારેય તેને ન હટાવે. અરે, અન્ય કોઈ તે માળા હઠાવવા જાય તો પણ ગુસ્સે થઇ જાય. તેઓ ખૂબ મોટા કોન્ટ્રકટર હતા. તેમનું મુખ્ય કામ જે તે પ્લોટ પર વસેલી ઝૂંપડપટ્ટી ખાલી કરાવી તેના પર ઊંચી ઈમારતો બાંધવાનું હતું!
ડૉ. શિવમોહન મિશ્રા ટર્કી ફરવા ગયા. ત્યાં કોઈ આંદોલન ચાલતું હતું. ટર્કી ઓફિસરો ગન્સ લઈને ઊભા હતા. ટોળું સુત્રોચ્ચાર કરતુ ઊભું હતું. ખટપટીયા મિશ્રા એક ઓફિસર પાસે ગયા અને પૂછ્યું, “વ્હોટ ઈઝ ધીસ ગોઇંગ ઓન?”
ઓફિસરે ‘અંગ્રેજી’માં જવાબ આપ્યો, “સર, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઈંગ્લીશ. જસ્ટ સ્પીક ઇન ટર્કી!”
મતલબ સાફ હતો : તમે અમારા દેશના વતની નથી તો તમારે આ બધું જાણવાની કોઈ જરૂર નથી! ફરવા આવ્યા છો તો ફરીને ચાલતી પકડો.
બરાબર તે જ દિવસોમાં ભારતમાં કોઈ ઐતિહાસિક મૂવીને લઇ બબાલ મચી હતી. કોઈ એક જ્ઞાતિના લોકોને મૂવીરીલીઝ સામે વાંધો હતો. તેઓ ટોળાઓ કાઢી, તોડ-ફોડ કરી તેનો વિરોધ કરી રહ્યા હતા. એવામાં એક ફોરેનર મલ્ટિપ્લેક્સ પાસેથી પસાર થયો અને તેણે ઝનૂની ટોળાને કંઇક સુત્રોચ્ચાર કરતા જોયા. તે ખાલી એમ જ ઊભો હતો ત્યાં દૂર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલનું ઘ્યાન તેના પર પડ્યું. કોન્સ્ટેબલ સામે ચાલીને તેમની પાસે ગયો અને કહેવા લાગ્યો, “ઓલ સ્ટુપિડ ફેલોઝ… ડુઈંગ ઓપોઝ ઓફ અ મૂવ ઇટ્સ કોમન ઇન ઇન્ડિય એની કાસ્ટ, એની રીલિજન ડુ સેબોટેઝ ફોર નો રીઝન!”