તમારી માટે અને તમારા બાળકો માટે ખાસ વાંચો આ આર્ટીકલ.. આટલું તો કરી જ શકીએ

By ojasalert.com

Published on:

cle-specially-for-you-and-your-children

નવાઈ લાગીને આ શિર્ષક વાંચીને? કોઈને થાશે, આ લેખમાં એવું શું હશે કે શિર્ષક ખોટું લખ્યું? લેખિકા માતાપિતા વિરુદ્ધ તો નથી ને? તો કોઈને થાશે, નક્કી કોઈ અર્થનું અનર્થ છે. તમારા આ પ્રકારનાં તમામ પ્રશ્નોનાં જવાબ આ જ લેખમાં છે. ધ્યાનથી વાંચજો.

વર્ષોથી ગુજરાતી માધ્યમની શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં એક અત્યંત જાણીતી રચના “ભૂલો ભલે બીજું બધું, મા – બાપને ભૂલશો નહીં” ને સ્થાન આપવામાં આવ્યું છે. નોટબુકનાં પાછલા પેજ પર પણ સંત પુનિતની આ રચના છાપવામાં આવતી. શાળાઓના પ્રાર્થના સમયમાં પણ તેને ગાવામાં આવતું. કદાચ એને એક સંસ્કારરોપણ રચના તરીકે ઓળખાવવામાં આવે તો નવાઈ નહીં લાગે.

એક આદર્શ પુત્ર તરીકે “શ્રવણ” નું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. આંધળા માતા-પિતાની સેવામાં જીવન વ્યતિત કરતા પુત્રને સૌએ બિરદાવ્યો અને એના દાખલા આજદિન સુધી માતા-પિતા પોતાનાં બાળકોને આપે છે. દરેક માતા-પિતા ઇચ્છે કે તેમનો પુત્ર શ્રવણ જેવો હોય અને તે અપેક્ષામાં ક્યાંય અતિશયોક્તિ નથી.

સંસ્કાર પ્રમાણે દરેક સંતાન પાસેથી આ આશા રાખવામાં આવે છે. આપણા ભારત દેશનાં કલ્ચર પ્રમાણે પુત્ર હોય કે પુત્રી, માતા-પિતાની સેવા કરવી એ સર્વ પ્રથમ ધર્મ છે જ. પણ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ સંજોગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. પહેલાંના સમયમાં પિતાની જવાબદારી ફક્ત ઘરમાં રૂપિયા કમાવીને લાવવાની અને ભરણપોષણ કરવાની હતી.

માતા એ રૂપિયાનો ઉપયોગ પોતાની ઇચ્છા મુજબ ન કરી શકતી. એકાદ ટંક જમવાનું ટાળતાં, દુર દુર સુધી પગે ચાલીને જતાં,બે જોડી કપડામાં પોતાનું પોણું જીવન પસાર કરતાં પિતા અને પોતાને માટે એક નવી સાડી લેવાનાં રૂપિયા ન હોય પણ ઘરમાં આવેલ મહેમાનને એકેય ટંક ભૂખ્યા ન રાખતી તેવી માતાઓનાં ખરેખર ચરણ સ્પર્શ કરાવની ઇચ્છા થાય. અને કદાચ એટલે જ સંત પુનિતએ લખ્યું કે “કાઢી મુખેથી કોળિયા, મ્હોંમાં દઈ મોટા કર્યાં”.

પરંતુ જેમ જેમ ભણતર વધતું જાય છે એમ એમ ગણતર દુર થતું જાય છે. રૂપિયા કમાવવાની ઘેલછા પાછળ આજના યુવાનો પોતાનું ભવિષ્ય એક એવા પરીણામ તરફ લઈ જઈ રહ્યાં છે જેનો પરચો એ પરીણામ આવતા સુધીમાં ઘણું બધું પાછળ છોડી દેશે. જો તમે રોજેરોજ ન્યૂઝ પેપર વાંચતા હશો તો તમે જાણતા જ હશો કે આજના યુગના બાળકો એક અલગ પ્રકારની ગ્રંથિમાં જીવે છે. એમને પોતાની કેરિયર બનાવવામાં એવા વ્યસ્ત કરી દેવામાં આવે છે જ્યાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું.

નાણાંકીય રમતગમત શીખવવામાં એટલાં ઓતપ્રોત કરી દેવામાં આવે છે કે બાળકો માતા-પિતાની સહજ ભાવનાઓને ઓળખી નથી શકતા. બીજી તરફ, આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ, બંને પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે સંતાનની સામાન્યમાં સામાન્ય બાબતને પ્રાધાન્ય આપી શકતા નથી.

આજકાલ તો સ્કૂલમાં થતી પેરેંટ્સ ટીચર મીટિંગ્સમાં પણ માતા અથવા પિતાની ગેરહાજરી આંખે ઊડીને વળગે છે. દર મહિને એક કલાક પોતાનાં બાળકને ન આપી શકતા માતા-પિતા, દિકરો હોય કે દીકરી, “શ્રવણ” જેવાં સંતાનથી છેટા છે. ભણતર કે પછી સામાજિક જવાબદારીઓનો ભાર ન ઉઠાવી શકતાં નબળાં માનસ પર ઘણી વખત એવી અસર થાય છે કે નાની ઉંમરમાં આત્મહત્યાનાં બનાવો પણ બનતા હોય છે.

માતા-પિતાથી અલગ રહી પોતાનો સંસાર ચલાવતા ગઈ કાલનાં “યુવાની” નો જ્યારે “ઘડપણ” સાથે સામનો થાય છે ત્યારે તેઓ પોતાનાં સંતાનો પાસે મોટી મોટી અપેક્ષા રાખે છે. ત્યારે સંત પુનિત એ લખેલી આ લીટી યાદ આવે, “સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો, તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં”. સંતાન પોતાનાથી અલગ થઈ જાય ત્યારે દુખી થતાં માતા-પિતા, પોતે તરછોડેલા માતા-પિતાની પીડા ભૂલી જાય છે.

સંસ્કારનું સિંચન માત્ર અને માત્ર માતા-પિતાથી જ છે. એ જ દરેક સંતાનને તેના ધ્યેય તરફ આગળ ધપાવે છે. જે સંતાનોના મૂળિયાં મજબૂત છે એ સંતાનોને ક્યારેય સમાજનાં વિવાદિત સંજોગોનો સામનો નથી કરવો પડતો. પરંતુ જેમનો વિકાસ અપૂર્ણ છે તેઓને અસામાજિક તત્વો બનતા વાર નથી લાગતી.

માટે જ, “જેવું વાવો, તેવું લણો”, કહેવતરૂપી સત્ય સ્વીકારવું જ રહ્યું. સંતાનોને ભૂલીને પોતાના વિકાસને મહત્વ આપતાં માતા-પિતાને આજે નહીં તો કાલે, પણ પસ્તાવાનો વારો જરૂરથી આવે છે. જો તમે તમારા બાળકોને આ દુનિયામાં લાવ્યા છો તો દુનિયાદારી શીખવવાની ફરજ પણ અદા કરવી પડશે. બાકી, હિંદીમાં કહેવાય છે ને કે “નજર હટી, દુર્ઘટના ઘટી”. બસ, બાળકો સાથે પણ કાંઈક આવું જ છે. અને માટે જ આ શિર્ષક આપ્યું છે કે “ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં”…

Leave a Comment